લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

આપના પ્રશ્નો અમારા ઉત્તરો

5/17/2022 6:54:39 AM

પ્રશ્ન : પ્રજા દ્વારા ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ વિરુદ્ધ આ કાયદા અંતર્ગત કાર્યવાહી કરી શકાય કે કેમ ?

ઉત્તર : પ્રજા દ્વારા ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ જ્યાં સુધી માત્ર પ્રતિનિધિત્વ કરે ત્યાં સુધી તેઓ વિરુદ્ધ આ કાયદા અંતર્ગત કોઈ કાર્યવાહી કરી શકાતી નથી, પરંતુ તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપરાંત સરકારશ્રીની માલિકીની કે જેમાં સરકારશ્રીનું હિત હોય તેવી કોઈ સંસ્થા, બોર્ડ, નિગમ કે જેના થકી કાયદેસર આર્થિક લાભ થાય તેવી સંસ્થાનું પદાધિકારી તરીકે પ્રતિનિધિત્વ ધરાવતાં હોય તો તેઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

પ્રશ્ન : બિનસરકારી સંસ્થા (એન.જી.ઓ.)માં ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તેની વિરુદ્ધ આ કાયદા અંતર્ગત પગલાં લઈ શકાય ?

ઉત્તર : આવી સંસ્થા કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું જેનું નાણાંકીય મૂલ્ય આંકી શકાય તે પ્રકારની કોઈ પણ પ્રકારની આર્થિક સહાય એટલે કે ગ્રાન્ટ વગેરે મેળવતી હોય તો તે સંસ્થાના પદાધિકારી / કર્મચારી વિરુદ્ધ આ કાયદા અંતર્ગત પગલાં લઈ શકાય છે, પરંતુ જો કોઈ સંસ્થા માત્ર પોતાના સ્વભંડોળથી કોઈ પ્રવૃત્તિ કરતી હોય તો તેવી સંસ્થાના પદાધિકારી / કર્મચારી વિરુદ્ધ બ્યુરો દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.

પ્રશ્ન : સ્થાનિક એ.સી.બી.ના પોલીસ સ્ટેશનના અધિકારી / કર્મચારી ઉપર શંકા હોય તો ફરિયાદ ક્યાં કરવી ?

ઉત્તર : આ અંગે લાંચરુશવતવિરોધી બ્યુરોના મુખ્ય મથક ખાતે જુદી જુદી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેઓ સમક્ષ આ અંગેની ફરિયાદ કરી શકાય.

પ્રશ્ન : ફરિયાદી પાસે લાંચમાં આપવાની રકમ ન હોય તો શું કરવું ?

ઉત્તર : કાયદાકીય દ્રષ્ટિએ લાંચની રકમ ફરિયાદી ફરિયાદ સમયે રજુ ન કરી શકે તે અંગે કોઈ પ્રતિબંધ નથી. છતાં ફરિયાદી આવી રકમ રજૂ કરે તે ઈચ્છનીય છે, કારણ કે તેનાથી પુરાવાની દ્રષ્ટિએ ન્યાયની કોર્ટમાં આવો કેસ સચોટ રીતે પુરવાર કરી શકાય અને ફરિયાદીની વર્તણૂક યોગ્ય પુરવાર થાય. બ્યુરો તરફથી આવી રકમ રજૂ કરવાથી કેટલાક કિસ્સામાં પક્ષપાતીભર્યુ વલણ અખત્યાર થાય છે અથવા હિતેચ્છુ પક્ષકાર તરીકે કામગીરી થાય છે તેવા આક્ષેપો થાય છે જે નકારી શકાય. અસામાન્ય સંજોગોમાં આવી રકમ બ્યુરો તરફથી આપવામાં પણ આવે છે.

પ્રશ્ન : અપ્રમાણસરની મિલકત એટલે શું ?

ઉત્તર : કોઈ પણ જાહેર સેવક તેમના સેવાકાળ દરમિયાન તેમના કાયદેસરના આવકના સ્ત્રોતના પ્રમાણમાં આવા સ્ત્રોત કરતાં સ્થાવર / જંગમ મિલકતમાં જે રોકાણ કરે તેમ જ ખર્ચ કરે તે રોકાણ ખર્ચનું પ્રમાણ કાયદેસરના આવકના સ્ત્રોત કરતાં વધારે જણાઈ આવે તો જેટલું અપ્રમાણસરનું રોકાણ / ખર્ચ નક્કી થાય તો તેને મિલકતોમાં અપ્રમાણસર રોકાણ ગણી તે જાહેર સેવકે તેમની કાયદેસરની ફરજો દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી અંગત લાભ ખાતર નાણાં મેળવી રોકાણ / ખર્ચ કરેલો છે તેવું પ્રસ્થાપિત થાય છે, જેથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કાયદાની કલમ ૧૩(૧)(ઈ)ની જોગવાઈઓ મુજબ ગુનાહિત ગેરવર્તણૂકનો ગુનો ગણવામાં આવે છે.